શ્રી ચામુંડા ચાલીસા | Chamunda Chalisa

શ્રી ચામુંડા ચાલીસા

॥ દોહરો ॥

ચામુંડા જયકાર હો, જય જય આદિ માત !
પ્રસન્ન થાઓ પ્રેમથી, ભમતી ભુવન સાત !

જય ચામુંડા જય હો માતા, દુ:ખ હરી આપો સુખ શાતા.
ત્રણે લોકમાં વાસ તમારો, તુહિં એક હો સાથ અમારો.

ચંડ મુંડનાં મર્દન કીધાં, અસુર ગણોનાં રક્ત જ પીધાં.
હાથે ખડગ ને ત્રિશૂળ બિરાજે, સિંહ ઉપર તુ જનની રાજે.

હાહાકાર અસુર ગણ કરતા, જ્યાં માં તમારાં ચરણો પડતાં.
હું હું નાદે યુદ્ધ તુ કરતી, શત્રુ હણી અટ્ટહાસ્ય તુ કરતી.

યુગે યુગે અવતાર તુ ધરતી, ભાર ભૂમિનો સઘળો હરતી.
સંતજનો ને ઋષિઓ પુકારે, દેવગણો પણ શરણે તારે.

જય ચામુંડા જય કંકાલી, તુહિં અંબિકા તુહિં કાલી.
મંગલમયી તુ મંગલ કરજે, ભવ ભવ કેરાં દુખડાં હરજે.

અસુર ગણોને તેં જ વિદાર્યા, દેવગણો ભયહીન બનાવ્યા.
ભક્તજનો ને નિર્ભય કરતી, સઘળા એનાં સંકટ હરતી.

હ્ર્રીં ચામુંડા શ્રી કલ્યાણી, દેવ ને ઋષિગણ થી અજાણી.
કોઈ ના તારો મહિમા જાણે, બ્રહ્મા વિષ્ણુ શિવ સૌ પ્રમાણે.

દે બુદ્ધિ હરી લે સહુ સંકટ, ભકતો સમરે થાય તુ પરગટ.
જય ૐકારા, જય હુંકારા, મહા શક્તિ જય અપરંપાર.

જગદંબા ન વાર લગાવો, પુકાર સુણી દોડી આવો.
દુઃખ દરિદ્રતા મૈયા કાપો, સંકટ હરીને આનંદ સ્થાપો.

જય શંકરી સુરેશ સનાતન, કોટિ સિદ્ધિ કવિ માત પુરાતન.
કલિ કાળમાં તુહિં કૃપાળી, તુ વરદાતા તુહિં દયાળી.

તુ આનંદી આનંદ નિધાન, તુ જશ આપે અરપે તુ માન.
વિદ્યા દેવી વિદ્યા દોને, જડતા અજ્ઞાન સૌ હરી લોને.

પળ પળ દુઃખ ના વિષ જ ડંખે, બાળક તારું અમરત ઝંખે.
પ્રલયકાળે તુ નર્તન કરતી, સહુ જીવોનુ પાલન કરતી.

મેધ થઇ મા તુ ગર્જતી, અન્નપુર્ણા તુ અન્ન અર્પતી.
સહસ્ત્ર ભૂજા સરોરૂહ માલિની, જય ચામુંડા મરઘટવાસિની.

કરુણામૃત સાગર તુહિં દેવિ, જ્યોતિ તમારી સોહે દેવી.
જય અંબિકા ચંડી ચામુંડા, પાપ બધાં વિરાદે તુ ભૂંડા.

એક શક્તિ તુ બહુ સ્વરૂપા, અકથ ચરિત્રા શક્તિ અનુપા.
જય વિદ્યા જય લક્ષ્મી તુ છે, જય ભક્તિ અમ જ્ઞાન જ તુ છે.

અખિલ નિખિલમાં તૂ ઘૂમનારી, સકલ ભવનમાં તુ રમનારી.
હું હું હું હુંકાર કરતી, સર્જન કરતી વિસર્જન કરતી.

હાથમાં ચક્ર ને ત્રિશૂળ શોભે, નીરખી અસુર દૂર દૂર ભાગે.
ૐ ઐં હ્ર્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચે, ત્રણે લોક તુજ કરુણા યાચે.

કૃપા કરી મા દર્શન દેજો, પાપ અમારાં સર્વ બાળી દેજો.
તુ સ્વાહા તુ સ્વધા સ્વરૂપા, યજ્ઞ તુ યજ્ઞની તુજ છે ભોક્તા.

તુ માતા તુ હવિ ભવાની, તારી ગતિ કોઈએ ન જાણી.
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ પુજે, તુજ વિણ કોઇને કાંઇ ન સુઝે.

સ્તુતિ કરે સૌ ભક્ત અખંડે, તુ બ્રહ્માંડે ઘૂમતી ચામુંડે.
ક્ષમા કરો મા ભૂલ અમારી, યાચી રહ્યા મા ! દયા તમારી.

|| દોહા ||

સચરાચરમાં વ્યાપિની, ચામુંડા તું માત
કૃપા કરી જગદંબે, દેજો અમને સાથ.

Here you can download the Shri Chamunda Chalisa Gujarati PDF by click on the link given below.

0 thoughts on “શ્રી ચામુંડા ચાલીસા | Chamunda Chalisa”

  1. જય હો માં ચંડી ચામુંડા જય હો.. તમારો જયજયકાર હો.

    Reply
  2. જય હો માં ચંડી ચામુંડા.. તમારો જયજયકાર હો.

    Reply

Leave a Comment